મોરબી : મોરબીની હજનાળી પ્રાથમિક શાળામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023-24ની ઉજવણી કરવામાં આવી હતી.યોગ અને સૂર્ય નમસ્કારને પ્રોત્સાહન આપવા આજરોજ મોરબી તાલુકાની હજનાળી પ્રાથમિક શાળામાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી હતી. આ તકે સૂર્ય નમસ્કાર સમિતિના ગ્રામ્ય કક્ષાના અધ્યક્ષ ઉપસરપંચ રસિકભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લીધેલા સ્પર્ધકો તથા વિદ્યાર્થીઓ દ્વારા સૂર્ય સ્તુતિ અને ગાયત્રી મંત્રના જાપ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રસિકભાઈ પરમાર દ્વારા પ્રાસંગિક ઉદબોધન અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારપછી સ્માર્ટ ટીવીમાં સૂર્ય નમસ્કાર નિદર્શન કરી અને સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સૂર્ય નમસ્કાર સ્ટેપના કાઉન્ટ શાળાના શિક્ષક મોહિતભાઈ ચનિયારા દ્વારા અને જજ તરીકેની જવાબદારી ગોરધનભાઈ પરમાર તથા સપનાબેન પીઠડીયા દ્વારા સંભાળવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના ઇન્ચાર્જ આચાર્ય અમિતભાઈ ખાંભરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વયકક્ષા 9 થી 18માં શાળાના વિદ્યાર્થી દીપક પરમાર અને માહી સંઘાણીને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને છેલ્લે ઉપસરપંચ રસિકભાઈ પરમાર દ્વારા બધા બાળકોને ચા ગાંઠીયાનો નાસ્તો કરાવી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.